Latest News

ભારત-પાકિસ્તાનના હાઇવોલ્ટેજ મુકાબલા, જ્યારે સચિને અખ્તરની ધોલાઇ કરી

વર્લ્ડકપ 2019માં હાઇવોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને રમાશે. આ મેચની વિશ્વભરના ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. બન્ને દેશ વચ્ચે મુકાબલો થતા જ યાદગાર મેચની યાદ આવી જાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલીક મેચ રમાઇ છે જેને ભૂલાવી શકાય તેમ નથી. દરમિયાન અમે તમને ભારત-પાકિસ્તાનના હાઇવોલ્ટેજ યાદગાર મુકાબલા વિશે જણાવી રહ્યાં છીએ.

વર્લ્ડકપ 2003માં સચિને અખ્તર-વકારની ધોલાઇ કરી

2003 વર્લ્ડકપની મેચ સેન્ચુરિયનમાં રમાઇ હતી અને પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા સઇદ અનવરની સદીના દમ પર 273 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે બેટિંગની શરૂઆત કરી ત્યારે શોએબ અખ્તર અને વકાર યૂનિસના હોશ ઉડી ગયા હતા. સચિન તેંડુલકરે બન્ને બોલરોની ધોલાઇ કરતા 98 રનની ઇનિંગ્સ રમી હતી અને ભારતે 4 ઓવર બાકી રહેતા મેચને જીતી લીધી હતી.

ભારત-પાકિસ્તાન વન ડે શ્રેણી, કરાંચી 2003-04

આ તે સિરીઝ હતી જેની ક્રિકેટ જગત રાહ જોઇ રહ્યું હતું. કરાંચીમાં રમાયેલા મુકાબલામાં ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડે શાનદાર બેટિંગ કરતા ટીમના સ્કોરને 50 ઓવરમાં 349 રન સુધી પહોચાડી દીધો હતો. મેચ પુરી રીતે ભારતના હાથમાં હતી પરંતુ ત્યારે ક્રીઝ પર આવેલા ઇન્ઝમામ ઉલ હકે સદી ફટકારી પાકિસ્તાનને જીતની નજીક પહોચાડી દીધુ હતું. આ રોમાંચક મુકાબલામાં ભારતે 5 રને વિજય મેળવ્યો હતો.

2011 વર્લ્ડકપની સેમિ ફાઇનલ

2011 વર્લ્ડકપને કોઇ પણ ક્રિકેટ ફેન્સ ભૂલી શકે તેમ નથી પરંતુ ફાઇનલથી પણ વધુ યાદગાર રહેલી સેમિ ફાઇનલ મેચ મોહાલીમાં રમાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 260 રન બનાવ્યા હતા અને ભારતીય બોલરોએ પાકિસ્તાનની ટીમને 231 રને ઓલ આઉટ કરી મેચને જીતી લીધી હતી. ઝહિર ખાન, આશીષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે સચિને 85 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

2007ના ટી-20 વર્લ્ડકપમાં બોલ આઉટ મુકાબલો

વર્ષ 2007માં રમાયેલા વર્લ્ડ ટી-20માં ભારત-પાકિસ્તાન વચ્ચે જે ગ્રુપ મેચ રમાઇ હતી તેને યાદગાર મેચમાંથી એક ગણવામાં આવે છે. ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એક નવો નિયમ જોવા મળ્યો હતો. ભારત-પાકિસ્તાનની મેચ ટાઇ થયા બાદ બોલ આઉટમાં પરિણામ આવ્યુ હતું. આ મેચમાં ભારતે બોલ આઉટમાં પાકિસ્તાનને આસાનીથી હરાવ્યુ હતું.

પાકિસ્તાનને હરાવી 2007 વર્લ્ડ ટી-20માં ભારત ચેમ્પિયન બન્યુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલીક યાદગાર મેચ રમાઇ છે પરંતુ વર્ષ 2007માં રમાયેલા વર્લ્ડ ટી-20 ફાઇનલ મુકાબલો ઘણો ખાશ છે. પ્રથમ વર્લ્ડ ટી-20ની ફાઇનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને મેચમાં જીવ રેડ્યો હતો અને અંતિમ ઓવર સુધી ગયેલા આ રોમાંચક મુકાબલામાં ભારતે 5 રને જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. મિસબાહ ઉલ હક હુક શોટ ફટકારવાના ચક્કરમાં શ્રીસંથને કેચ આપી બેઠો હતો અને ભારત પ્રથમ ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યુ હતું.

To Top
Translate »