Expert Comment

કોહલી એટલે જ ‘ટીમ’? ભારતીય કેપ્ટને 20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સથી સદી નથી ફટકારી

અલી અસગર દેવજાણી: છેલ્લી 20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સદી ફટકારી શક્યો નથી. જે તેના ક્રિકેટ કરિયરના છેલ્લા 6 વર્ષનું ખરાબ પ્રદર્શન પણ છે. પરંતુ આ સમયે જાણીતા એક્સપર્ટ કહો કે રિયલ ક્રિકેટ ફેન્સ હોય કે પછી થોડું-ઘણું ક્રિકેટ જાણતા લોકો, તમામ માત્ર કોહલીના પ્રદર્શન અંગે ચર્ચા કરી રહ્યાં છે, જેમ અગાઉ લોકો સચિનના શૂન્ય પર આઉટ થવા પર ચર્ચા કરતા હતા. તમામની નજર માત્ર ‘સ્ટાર’ બેટ્સમેન પર જ રહે છે, પરંતુ એ વાત લોકો ભૂલી જાય છે કે, કોહલી-રોહિત સિવાય પણ ટીમમાં અન્ય ખેલાડીઓ રહેતા હોય છે. એ ખેલાડીઓને આપણે દર્શક બનવા મોકલતા નથી.

આ કોહલીના ક્રિકેટ કરિયરના ખરાબ સમયમાંથી એક છે. આ અગાઉ ફેબ્રુઆરી 2014થી લઈ ઓક્ટોબર 2014 સુધી કોહલી 25 ઈનિંગ્સમાં એક પણ સદી ફટકારી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ પ્રવાસ પરની 5 ટેસ્ટમાં તેણે 134 રન જ કર્યા હતા. જો આ પ્રવાસની વાત કરીએ તો ત્યારે માત્ર ધોની જ અમુક અંશે લડાયક ઈનિંગ્સ રમી શક્યો હતો. ટીમના અન્ય ખેલાડીઓ ખાસ કરીને ટેસ્ટના નિષ્ણાંત એવા પૂજારાનું પ્રદર્શન પણ તે સીરિઝમાં સારું નહોતું રહ્યું. તે પ્રવાસમાં પૂજારાએ એકમાત્ર અડધી સદી સાથે 222 રન (5 ટેસ્ટ) કર્યા હતા. આ ઉપરાંત મુરલી વિજય અને અજિંક્ય રહાણે બંનેએ સીરિઝમાં 1-1 સદી ફટકારી હતી, આ સિવાય અન્ય કોઈપણ ભારતીય ખેલાડી તે સીરિઝમાં સદી ફટકારી શક્યો નહોતો. તે સમયે ભારતીય બોલિંગ યુનિટ પણ હાલ જેટલું મજબૂત નહોતું તે કારણે ટીમને 2 મેચમાં ઈનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો. કોહલી પોતાના કરિયરના પ્રારંભે દાખવેલા ‘એગ્રેસિવ’ બિહેવિયરના કારણે જ ફેન્સ વચ્ચે એટલો લોકપ્રિય રહ્યો નથી. ઘણીવાર ખેલાડીઓનું વર્તન તેને પસંદ કે નાપસંદ કરવા માટેનું કારણ બનતું હોય છે. જે આપણે ધોની, સેહવાગ, દ્રવિડ, લક્ષ્મણ કે કુંબલે જેવા ખેલાડીઓના ફેન્સમાં જોઈ શકીએ છીએ. આ ખેલાડીઓના પ્રદર્શન અને -વર્તન બંને એક ફેન માટે સ્વીકાર્ય રહ્યાં છે.

કોહલી છેલ્લા ઘણા વર્ષોથી સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે. તેથી તેના ફેન હોવ કે નહીં તમે તેના રેકોર્ડ્સની અવગણના કરી શકો નહીં. ચેઝ કરતા ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારવા મામલે તેનો રેકોર્ડ હોય કે ટેસ્ટમાં બેવડી સદીનો રેકોર્ડ કે પછી ટી-20માં હાઈએસ્ટ રન મામલે ટોચના ખેલાડીઓમાં સામેલ રહેવાની સિદ્ધી. જેમ દરેક ખેલાડીઓ માટે પોતાને મળતી તકનો લાભ ઉઠાવવો જરૂરી હોય છે, તેમ ફેન્સ માટે પણ એ વાત જરૂરી રહે છે કે તેઓ ક્યારેય ખેલાડીની ટીકા કરતા પહેલા હારના કારણની સમીક્ષા કરે. શું કોહલીના ના રમવાના કારણે જ ટીમ હારી રહી છે? કે અન્ય ખેલાડીઓનું પ્રદર્શન જવાબદાર છે? કે પછી અમુક ટેલેન્ટેડ ખેલાડી (જેમકે ગિલ, સેમસન)ને ઓછી કે નહિવત્ તક મળવી? આ કારણો પર પણ ચર્ચા થાય તે જરૂરી છે.

શૉટ: ટીમની હાર-જીત મુદ્દે ચર્ચા થવી જોઈએ. પરંતુ કોઈ ખેલાડી ના ગમતો હોય એટલે જ એનો વાંક કાઢવો કે કોઈ ગમતો હોય તેનો વાંક ના જ કાઢવો એમ ના થવું જોઈએ. જેમકે કોહલી ટીકા કરવી અને ધોનીની નહીં.

To Top
Translate »