Expert Comment

વિરાટ કોહલીએ ફટકારી સાતમી બેવડી સદી, સચિન-સેહવાગને છોડ્યા પાછળ

વિરાટ કોહલીએ (Virat Kohli) સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પૂણેમાં રમાયેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટને પોતાની ટેસ્ટ કરિયરની સાતમી બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ તેને ટેસ્ટ ક્રિકેટમાં 7 હજાર રન પુરા કર્યા હતા.

સચિન-સેહવાગથી નીકળ્યો આગળ

વિરાટ કોહલીએ (Virat Kohli) પોતાની 81મી ટેસ્ટ મેચની 138મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચની 329 ઇનિંગ્સ અને વિરેન્દ્ર સેહવાગે 104 ટેસ્ટ મેચની 180 ઇનિંગ્સમાં 6-6 બેવડી સદી ફટકારી છે.

બ્રેડમેન સૌથી આગળ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી હતી. શ્રીલંકાના કુમાર સંગાકારાએ 11 અને બ્રાયન લારાએ 9 બેવડી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમંડે 85 ટેસ્ટ મેચમાં 7 અને જયવર્ધનેએ 149 ટેસ્ટ મેચમાં 7 બેવડી સદી ફટકારી છે.

 

કોહલીએ 7000 રન પુરા કર્યા

વિરાટ કોહલીએ આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પુરા કરી લીધા છે. વિરાટ કોહલીએ 138 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તે સૌથી ઓછી મેચમાં અહી પહોચનાર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે 134 અને સચિન તેંડુલકરે 136 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

બ્રેડમેનને પાછળ છોડ્યા

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટમાં 9મી વખત 150નો આંકડો પાર કર્યો હતો. બ્રેડમેને 8 વખત કેપ્ટનના રૂપમાં 150+નો આંકડો પાર કર્યો હતો.

સૌથી ઝડપી 1000 રન

વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 1000 ટેસ્ટ રન પુરા કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલીએ પોતાની 19મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.કોહલીએ વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો હતો જેને 20 ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 1000 રન પુરા કર્યા હતા. સચિન તેંડુલકરે 29 અને રાહુલ દ્રવિડે 30 ઇનિંગ્સમાં 1000 રન પુરા કર્યા હતા.

To Top
Translate »