Latest News

પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા, જાણો કંઈ રીતે જીત્યું હતું ભારત?

25-જૂન 1983…આ એક એવી તારીખ છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કાયમ અમર રહેશે. આ દિવસ બાદ ભારતીય ક્રિકેટમાં આમૂલ પરિવર્તન આવ્યું હતુ. આ દિવસ બાદ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ વધવા લાગ્યો. આજના દિવસે જ 37 વર્ષ પહેલા ભારત પ્રથમ વખત વિશ્વકપ પર કબ્જો જમાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવની કેપ્ટનશિપમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ધુરંધર ટીમને 43 રને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 183 રન જ બનાવ્યા હતા. જો કે સામે વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમ માત્ર 140 રન બનાવીને પેવેલિયન પહોંચી ગઈ હતી. આમ ભારતનો વિજય થયો હતો.

વેસ્ટ ઈન્ડીઝે ટૉસ જીત્યો
લૉર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્લાઈવ લૉયડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો, કારણ કે ભારતે 100 રનની અંદર જ પોતાની મહત્વની 4 વિકેટો ગુમાવી દીધી હતી. ગાવસ્કર જેવો આધારભૂત બેટ્સમેન માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. શ્રીકાંત અને અમરનાથની જોડીએ વિકેટ જરૂર બચાવી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બૉલરોએ મેચ પર પોતાની પકડ જાળવી રાખી હતી. જેનું પરિણામ એ આવ્યું કે, ટીમ ઈન્ડિયા માત્ર 183 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 38 રન કે શ્રીકાંતે ફટકાર્યા હતા.

ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ
માત્ર 183 રન પર સમેટાયા બાદ હવે ભારતની વિશ્વકપ જીતવાનું સપનું રોળાય તેમ લાગી રહ્યું હતું, પરંતુ બલવિંદર સંધૂએ ગ્રીનજને માત્ર 1 રન પર આઉટ કરતાં ભારતીય ટીમમાં વિજયના વિશ્વાસનો સંચાર થયો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝના ડેસમન્ડ હેઈન્સ અને વિવિયર રિચર્ડ્સે ભાગીદારીમાં ટીમના સ્કોરને 50 રન સુધી પહોંચાડી દીધો. જો કે મદનલાલના ધારદાર બોલે હેઈન્સને પેવેલિયન પરત મોકલી દીધો હતો. હેઈન્સ બાદ વિવિયન રિચર્ડ્સની વિકેટ પણ પડી. જે બાક આખી મેચ પલટાઈ ગઈ હતી.

કપિલ દેવનો શાનદાર કેચ મેચનો ટર્નિંગ પૉઈન્ટ
ફાઈનલમાં વિવિયન રિચર્ડ્સ આક્રામક બેટિંગ કરી રહ્યાં હતા. તેમણે 27 બોલમાં 33 રન ફટકાર્યા હતા. જે બાદ મદનલાલના બોલને હૂક કરવાના પ્રયત્ન કરતા બોલ હવામાં ઉછળ્યો હતા. કપિલ દેવે બોલની પાછળ દોડતા-દોડતા વિવિયન રિચર્ડ્સનો શાનદાર કેચ ઝડપી પાડ્યો. રિચર્ડ્સના આઉટ થયા બાદ ભારતીય બૉલરો વિન્ડિઝ ટીમ પર હાવી થઈ ગયા અને માત્ર 140 રનમાં જ વિન્ડિઝ ટીમ પેવેલિયન પરત ફરી હતી.

કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત વિરોધી ટીમને હરાવીને વર્લ્ડ કપ પર કબ્જો જમાવી લેશે. જો કે કપિલ દેવની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે આ સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો.

To Top
Translate »