Latest News

લોકેશ રાહુલની અડધી સદી, ભારતે બીજી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યુ

ભારતે ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાન પર રમાયેલી બીજી ટી-20 મેચમાં 7 વિકેટે હરાવી ગણતંત્ર દિવસની ભેટ આપી છે. આ સાથે જ ભારત પાંચ મેચની ટી-20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સીરીઝની ત્રીજી ટી-20 મેચ બુધવારે 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાન પર રમાયેલી બીજી ટી-20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 133 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકારને મેળવી લીધો હતો.

રાહુલે ટી-20 ઇન્ટરનેશનલ કરિયરની 11મી અડધી સદી ફટકારી હતી. લોકેશ રાહુલે અણનમ 57 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે 44 રનની ઇનિંગ્સ રમી હતી. રાહુલ અને અય્યરે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. શિવમ દુબે 8 રન બનાવી અણનમ રહ્યો હતો, તેણે સિક્સર ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. રોહિત શર્મા 6 બોલમાં 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થઇ ગયો હતો.

ભારતને રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી પાસે સારી શરૂઆતની આશા હતી પરંતુ રોહિત શર્માએ નિરાશ કર્યા હતા. રોહિત શર્મા 8 રન બનાવી આઉટ થયો હતો. ટીમ સાઉથીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં રોસ ટેલરના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો. છઠ્ઠી ઓવરમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટીમ સાઉથીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. સાઉથીના બોલ પર કોહલી વિકેટ પાછળ ટીમ સેફર્ટને કેચ આપી બેઠો હતો.

 

ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડને 132 રન પર રોક્યા

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 133 રનનો પડકાર આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 33 રન અને ટિમ સેફર્ટે અણનમ 33 રન બનાવ્યા હતા. આ સિવાય કોલિન મુનરોએ 26, રોસ ટેલરે 18 અને કેપ્ટન કેન વિલિયમસને 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 2 જ્યારે બુમરાહ, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.

To Top
Translate »