Latest News

ભારતે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું, અજિંક્ય રહાણે મેન ઓફ ધ મેચ

ટીમ ઈન્ડિયાએ સોમવારે ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે ઈતિહાસ રચતા વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 2 મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 318 રને વિજય મેળવ્યો છે. આ રનેના હિસાબે વિદેશમાં ભારતની સૌથી મોટી જીત છે. એંટિગાના સર વિવિયર રિચર્ડ્સ મેદાન પર રમાયેલ આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 297 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 222 રન ફટકાર્યા હતા. જે બાદ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે બીજી ઈનિંગ્સમાં 7 વિકેટે 343 રને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને વિજય માટે 419 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ વિરોધી ટીમ માત્ર 100 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે મેચના ચોથા દિવસે જ ભવ્ય વિજય મેળવ્યો હતો.

ભારતની આ જીતમાં અજિક્ય રહાણે, હનુમા વિહારી, ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહની મુખ્ય ભૂમિકા છે. રહાણેએ પ્રથમ ઈનિંગ્સમાં 81 અને બીજી ઈનિંગ્સમાં 102 રન ફટકાર્યા હતા. હનુમાએ પ્રથમ ઈનિંગ્સમાં 32 અને બીજી ઈનિંગ્સમાં 93 રન ફટકાર્યા હતા. ઈશાંત શર્માએ પ્રથમ ઈનિંગ્સમાં 43 રન આપીને 5 અને બીજી ઈનિંગ્સમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. . જસપ્રીત બુમરાહની વાત કરીએ તો, પ્રથમ ઈનિંગ્સમાં માત્ર એક જ વિકેટ ઝડ઼પી હતી, પરંતુ બીજી ઈનિંગ્સમાં તેણે માત્ર 7 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે પોતાના ટેસ્ટ કેરિયરની ચોથી વખત 5 વિકેટ ઝડપી છે.

આ મેચમાં રહાણેના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે બીજી ઈનિંગ્સમાં પ્રથમ વિરાટ કોહલી અને પછી હનુમા સાથે સદીની ભાગીદારી નોંધાવી હતી. તેણે ટેસ્ટ મેચમાં 10મી સદી ફટકારી હતી. રહાણેએ આ સદી 2 વર્ષ બાદ ફટકારી હતી. અગાઉ તેણે 3 ઓગસ્ટ 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા વિરૂદ્ધ ફટકારી હતી.

આ મેચ વિરાટ કોહલી માટે ખાસ રહી. કોહલીએ અત્યાર સુધીમાં 47 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. જેમાં તેની આ 27મી જીત છે. આ જીત સાથે જ વિરાટ કોહલી મહેન્દ્ર સિંહ ધોની સાથે સંયુક્ત રૂપે ભારતના સૌથી સફળ કપ્તાનમાં આવી ગયો છે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 60માંથી 27 ટેસ્ટ મટે જીતી છે.

આ સાથે વિરાટ કોહલી વિદેશી ધરતી પર ભારતના સૌથી સફળ કેપ્ટન બની ગયા છે. વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વિદેશોમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વિદેશોમાં 11 ટેસ્ટ મેચ જીતી હતી.

To Top
Translate »