Expert Comment

વિરાટ કોહલીની મનમાની, રોહિત-અશ્વિનને બહાર કરવામાં આવતા ગાવસ્કર ભડક્યા

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ એન્ટીગા ટેસ્ટમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યો નહતો. આ મેચમાં અશ્વિન નહી પણ રવિન્દ્ર જાડેજાને એકમાત્ર સ્પિનર તરીકે શામેલ કરવામાં આવ્યા હતા.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં ના રમાડવામાં આવતા કેપ્ટન અને કોચના નિર્ણય પર સવાલ ઉભા કર્યા છે. સુનીલ ગાવસ્કરે કહ્યું, હું ટીમની પસંદગીથી હેરાન છું, એક ખેલાડી જેનો આટલો શાનદાર રેકોર્ડ છે, ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નથી મળી, આ ચોકાવનારી વાત છે.

મહત્વપૂર્ણ છે કે 32 વર્ષના સ્ટાર ઓફ સ્પિનર અશ્વિન વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ શાનદાર રેકોર્ડ ધરાવે છે. અશ્વિને પોતાની કરિયર દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 11 ટેસ્ટની 21 ઇનિંગ્સમાં 60 વિકેટ ઝડપી છે.

અંતિમ વખત જ્યારે ભારતે 2016માં વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કર્યો હતો ત્યારે અશ્વિને ચાર ટેસ્ટ મેચમાં 17 વિકેટ ઝડપી હતી. અશ્વિને તમામ 4 ટેસ્ટ સદી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ફટકારી છે અને 552 રન સાથે તેના બેટથી 50થી વધુની એવરેજ રહી છે.

અજિંક્ય રહાણેએ જણાવ્યુ કે અશ્વિન જેવા ખેલાડી પર જાડેજાને એટલા માટે મહત્વ આપવામાં આવ્યુ કારણ કે તે વિકેટ પર સારો વિકલ્પ સાબિત થઇ શકે છે અને તે ટીમના છઠ્ઠા નંબરની બેટિંગની જરૂરત પૂર્ણ કરી શકે છે. બીજી તરફ હનુમા વિહારી પણ આ પિચ માટે ઉપયોગી બોલર સાબિત થઇ શકે છે. એવામાં કોચ અને કેપ્ટન વચ્ચે આ નક્કી થયુ કે ટીમનું સંયોજન આ હોવુ જોઇએ. રહાણે સાથે જ કહ્યું કે અશ્વિન અને રોહિત જેવા ખેલાડીઓને બેન્ચ પર બેસાડવાનો નિર્ણય હંમેશા મુશ્કેલ જ હોય છે પરંતુ આ બધુ ટીમ માટે કરવામાં આવ્યુ છે.

To Top
Translate »