Expert Comment

નવા મોટેરા સ્ટેડિયમને જોઇને ભાવુક થયો ગાંગુલી, યાદ આવ્યા જૂના દિવસો

મોટેરા સ્ટેડિયમને જોઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પ્રભાવિત થયો છે. અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મેદાન છે. જેમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને મેચની મજા માણી શકશે.

ગાંગુલીએ ટ્વીટ કરતા લખ્યુ, ‘અમદાવાદમાં આટલુ મોટુ અને શાનદાર સ્ટેડિયમ જોઇને ખુશી થઇ. એક ખેલાડી, કેપ્ટન તરીકે આ મેદાન સાથે મારી કેટલીક યાદ જોડાયેલી છે. ઇડનગાર્ડનમાં હજારો લોકોની સંખ્યા જોઇને મોટો થયો. આ સ્ટેડિયમને 24 તારીખે જોવા માટે ઉત્સુક છું.

મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથે કરવામાં આવવાના સમાચાર હતા પરંતુ એક અંગ્રેજી વેબસાઇટ અમદાવાદ મિરરમાં છપાયેલા સમાચાર અનુસાર ટ્રમ્પના પ્રવાસ સાથે જોડાયેલા એક સીનિયર અધિકારીએ આવા સમાચારનું ખંડન કર્યુ છે. તે બાદ હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન નહી કરે.

જોકે, આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મળીને એક મોટી સભાને સંબોધિત કરશે. આ સ્ટેડિયમનું પુનનિર્માણ કરવામાં આવ્યુ છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બન્યુ હતું. જેની માટે ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી. વર્ષ 1983માં આ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન થવા લાગ્યુ. અત્યાર સુધી મોટેરામાં એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ, 12 ટેસ્ટ મેચ અને 23 વન ડે મેચનું આયોજન થઇ ચુક્યુ છે.

To Top
Translate »