IPL

વિરાટ કોહલીનો મિત્ર બનશે કિંગ્સ ઇલેવન પંજાબનો કેપ્ટન, અશ્વિન છોડશે ટીમ!

ભારતીય ટીમના અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન ગત 2 વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો કેપ્ટન છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે આર.અશ્વિન આઇપીએલની આગામી સીઝન માટે નવી ટીમ સાથે જોડાવા જઇ રહ્યો છે. એવામાં આર.અશ્વિન બાદ પંજાબની ટીમનો કેપ્ટન કોણ હશે, આ રહસ્ય પરથી લગભગ પરદો ઉઠી ગયો છે.

આર.અશ્વિન આઇપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે રમતો નજરે પડશે, જેની ઓફિશિયલ જાહેરાત જલ્દી થશે. આર.અશ્વિને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ છોડ્યા બાદ ટીમને નવા કેપ્ટનની પણ જાહેરાત કરવાની છે. મોહાલી બેસ્ડ આઇપીએલ ફ્રેન્ચાઇઝી વિરાટ કોહલીના મિત્ર લોકેશ રાહુલને ટીમની કમાન સોપી શકે છે, જે ઘણા સમયથી કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલો છે.

શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી દિલ્હી કેપિટલ્સ આર.અશ્વિનને ખરીદી શકે છે, જેને લઇને કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાતચીત થઇ ચુકી છે. દસ્તાવેજ પૂર્ણ થયા બાદ આર.અશ્વિન દિલ્હીની ટીમ સાથે જોડાવાની ઓફિશિયલ જાહેરાત પણ થઇ જશે. દિલ્હી કેપિટલ્સના મેન્ટોર સૌરવ ગાંગુલી ખુદ આ વાત કહી ચુક્યા છે કે જો આર.અશ્વિન દિલ્હીની ટીમમાં શામેલ થાય છે તો તેમને ઘણુ સારૂ લાગશે.

મહત્વપૂર્ણ છે કે આર.અશ્વિનને વર્ષ 2018માં કિંગ્સ ઇલેવન પંજાબે 7.6 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય આર.અશ્વિનને ટીમની કેપ્ટન્સી પણ સોપવામાં આવી હતી પરંતુ વર્ષ 2018 અને 2019ની આઇપીએલ સિઝનમાં ટીમ પ્લે ઓફમાંથી પહેલા જ બહાર થઇ ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે આર.અશ્વિન ઘણા સમયથી ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગઇ હતી.

વર્ષ 2009માં આઇપીએલ ડેબ્યૂ કરનાર ઓફ સ્પિનર આર.અશ્વિને આ લીગની પોતાની કરિયરમાં 139 મેચ રમી છે જેમાં તેના નામે 125 વિકેટ છે. આઇપીએલમાં આર.અશ્વિનની એવરેજ 26.48ની છે. બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબ માટે આઇપીએલ 2019માં આર.અશ્વિને 14 મેચમાં 15 વિકેટ ઝડપી હતી અને 42 રન બનાવ્યા હતા.

To Top
Translate »