IPL

IPL2020: 19 સપ્ટેમ્બરથી થશે પ્રારંભ, 8 નવેમ્બરે ફાઇનલ મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇપીએલ ચેરમેન બૃજેશ પટેલે આ વાતની પૃષ્ટી કરી દીધી છે કે આ વર્ષે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે યુનાઇટેડ અરબ અમીરાત (યુએઇ)માં રમાશે. આઇપીએલ સંચાલન પરિષદની આગામી અઠવાડિયે બેઠક મળશે, જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપી દેવામાં આવશે. સુત્રોની માનીએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ તેને લઇને ફ્રેન્ચાઇઝી ટીમો સાથે પણ વાત કરી લીધી છે અને પોતાના પ્લાન વિશે જણાવી દીધુ છે.

ગુરૂવારે તારીખના સમાચાર આવી ગયા હતા જે બાદ પટેલે તેની પૃષ્ટી કરી છે. બૃજેશ પટેલે કહ્યું, ‘સંચાલન પરિષદની જલ્દી બેઠક મળશે પરંતુ અમે કાર્યક્રમ નક્કી કરી લીધો છે. આ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 8 નવેમ્બર સુધી રમાશે. અમે સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ.આ 51 દિવસનું આઇપીએલ હશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ઓક્ટોબર-નવેમ્બરમાં તૈયાર રમાનાર ટી-20 વર્લ્ડકપને સ્થગિત કરવાના નિર્ણય બાદ આઇપીએલનું આયોજન શક્ય બન્યુ છે. બૃજેશ પટેલે કહ્યુ કે કોવિડ-19 મહામારીના ખતરાથી બચવા માટે એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે અને બીસીસીઆઇ ઓફિશિયલ રીતે અમીરાત ક્રિકેટ બોર્ડને લખશે.

દર્શકોને પરવાનગી આપવાને લઇને યુએઇ સરકાર લેશે નિર્ણય

બૃજેશ પટેલે કહ્યું, અમે એસઓપી બનાવી રહ્યા છીએ અને આ કેટલાક દિવસમાં તૈયાર થઇ જશે. દર્શકોની પરવાનગી આપવી અથવા ના આપવાનો નિર્ણય યૂએઇ સરકાર પર નિર્ભર કરશે. અમે તેની પર નિર્ણય સરકાર પર છોડી દીધો છે. છતા પણ સામાજિક અંતરનું પાલન કરવુ પડશે. અમે ઓફિશિયલ રીતે પણ યુએઇ બોર્ડને લખીશું. યુએઇમાં ત્રણ મેદાન છે, જે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, શેખ જાયદ સ્ટેડિયમ (અબુ ધાબી) અને શારજાહનું મેદાન છે.

આઇસીસી એકેડમીને ભાડા પર લેશે બીસીસીઆઇ

બીસીસીઆઇ ટીમોની ટ્રેનિંગ માટે આઇસીસી એકેડમીનું મેદાન ભાડા પર લેશે. આઇસીસી એકેડેમીમાં બે મોટા આકારના ક્રિકેટ મેદાન છે, સાથે જ 38 ટર્ફ પિચ, 6 ઇન્ડોર પિચ, 5700 વર્ગ ફૂટ આઉટડોર કંડીશનિંગ એરિયા છે, જેમાં ફિઝિયોથેરેપી અને મેડિકલ સેન્ટર પણ છે. દુબઇમાં સ્વાસ્થ્ય પ્રોટોકોલ અનુસાર જે લોકો પોતાની કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ લઇને આવી રહ્યા છે તેમણે આઇસોલેશનમાં રહેવાની જરૂર નથી પરંતુ જો એવુ નથી તો તેમણએ તપાસમાંથી પસાર થવુ પડશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખતા 26ની જગ્યાએ 19 સપ્ટેમ્બરથી IPLનો પ્રારંભ

એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આઇપીએલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ બીસીસીઆઇએ એક અઠવાડિયા પહેલા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેથી ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર અસર ના પડે. અધિકારીએ નામ ના જણાવવાની શરતે કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના સરકારના નિયમો અનુસાર ત્યા પહોચવા પર 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડશે. જેમાં મોડુ થતા પરેશાની થઇ શકે છે, તેમણે કહ્યું આ 51 દિવસના કાર્યક્રમની સાર વાત એ હશે કે તેમાં એક દિવસમાં બે મેચનું આયોજન ઓછુ થશે. સાત અઠવાડિયા સુધી ટૂર્નામેન્ટ ચાલતા અમે પાંચ દિવસ બે મેચના આયોજનના કાર્યક્રમ પર ટકીને રહી શકીએ છીએ.

20 ઓગસ્ટ સુધી ફ્રેન્ચાઇઝી ટીમ પહોચી શકે છે યુએઇ

દરેક ટીમને પ્રેક્ટિસ માટે એક મહિનાના સમયની જરૂર પડશે અને એવામાં ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધી વેન્યૂ પર પહોચી જશે. જેનાથી તેમણે તૈયારી માટે ચાર અઠવાડિયાનો સમય મળી જશે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની સિરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ 3 ડિસેમ્બરથી બ્રિસેબનમાં રમાશે. આઇપીએલનો પ્રારંભ 29 માર્ચથી થવાનો હતો પરંતુ કોરોના મહામારીને કારણે તેને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.

To Top
Translate »