IPL

IPL: ચેન્નાઇ સુપરકિંગ્સે 3 ખેલાડીને કર્યા રિલીઝ, 22 ખેલાડીઓને કર્યા રિટેન

IPLની ગત વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે 3 ખેલાડીને રિલીઝ કર્યા છે. ચેન્નાઇએ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ સિવાય ભારતના 2 ખેલાડી કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્માને રિલીઝ કર્યા છે. હવે આ ખેલાડી IPLની આવતા મહિને યોજાનારી હરાજીમાં ભાગ લઇ શકશે.. 2 વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી કરતા સીએસકેએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી IPL 2018નો ખિતાબ જીત્યો હતો.

એક જ મેચ રમ્યો હતો માર્ક વુડ

ઇજાગ્રસ્ત ઓલ રાઉન્ડર કેદાર જાધવના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવેલા ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર ડેવિડ વિલીને ટીમમાં યથાવત રાખ્યો છે. જાધવને પ્રથમ મેચમાં ઇજા થઇ હતી અને તે અન્ય મેચમાં ભાગ લઇ શક્યો નહતો. આ ઓલ રાઉન્ડરને જોકે, ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. વુડને માત્ર એક મેચ રમવાની તક મળી હતી જ્યારે કનિષ્ક અને ક્ષિતિજ એક પણ મેચ રમ્યા નહતા.

ચેન્નાઇ પાસે છે સાડા આઠ કરોડ

ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, હરભજન સિંહ અને રવિન્દ્ર જાડેજાને 2018ની હરાજી પહેલા રિટેન કર્યા હતા અને ડ્વેન બ્રાવો તેમજ ફાફ ડુ પ્લેસિસ માટે રાઇટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. ટીમે ન્યૂઝીલેન્ડના ઓલ રાઉન્ડર મિશેલ સેન્ટનરનો વિકલ્પ નહતો માંગ્યો જે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ચેન્નાઇ સુપરકિંગ્સના સુત્ર અનુસાર સેન્ટનર ટીમમાં વાપસી કરશે. આ વર્ષે હરાજીમાં ચેન્નાઇ સુપરકિંગ્સ પાસે સાડા આઠ કરોડ રૂપિયા હશે જેમાંથી 6 કરોડ 50 લાખ રૂપિયા ગત સિઝનના છે. જ્યારે આ સિઝનમાં વધારાના 2 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ: એમએસ ધોની (કેપ્ટન), શેન વોટસન, અંબાતી રાયુડૂ, હરભજન સિંહ, કેદાર જાધવ, મિશેલ સેન્ટનર, માર્ક વુડ ઇમરાન તાહિર, સેમ બિલિંગ્સ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર, નારાયણ જગદીશન, સુરેશ રૈના, કેએમ આસીફ, શાર્દુલ ઠાકુર, ધ્રુવ શૌરી, ફાફ ડુ પ્લેસિસ, મોનુ કુમાર, ડ્વેન બ્રાવો, ચૈતન્ય બિશ્નોઇ, કર્ણ શર્મા, લુંગી નગીડી

To Top