Latest News

અમીષ સાહેબાની ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં અમ્પાયરિંગ

ગુજરાત ક્રિકેટ, કબડ્ડી સહિત તમામ રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. અમ્પાયરિંગના ક્ષેત્રમાં પણ ગુજરાત પાછળ નથી. અમદાવાદના અમ્પાયર અમીષ સાહેબાએ એક અનોખી સિદ્ધિ મેળવી છે. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં અમીષ સાહેબા સૌથી વધુ મેચમાં અમ્પાયરિંગ કરનાર અમ્પાયર બની ગયા છે. અમીષ સાહેબાએ 108 મેચમાં અમ્પાયરિંગ કરી છે.

અમીષ સાહેબાએ 108 મેચમાં કરી અમ્પાયરિંગ

ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અગાઉ સુરેશ શાસ્ત્રીએ 107 ફર્સ્ટ ક્લાસ મેચમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી. અમીષ સાહેબા ગયા સપ્તાહે રમાયેલી રણજી ટ્રોફી મેચ સાથે 107 મેચમાં ફરજ બજાવી ચૂક્યા છે. આમ મંગળવારે 20મી નવેમ્બરથી શરૂ થઈ રહેલી રણજી મેચ તેમની કારકિર્દીની 108મી મેચ બની રહેશે જે એક ભારતીય વિક્રમ છે.
ઉલ્લેખનીય છે કે 1959ની 15મી નવેમ્બરે જન્મેલા અને હાલમાં સ્ટેટ બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અમીષ સાહેબાએ ડિસેમ્બર 1993માં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની થાણે ખાતેની મેચ સાથે અમ્પાયર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. રણજી ટ્રોફી ઉપરાંત તેમણે ઇરાની કપ, દુલીપ ટ્રોફી, ભારતના પ્રવાસે આવેલી વિદેશી ટીમોની ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ ફરજ બજાવી છે.

હાલમાં ભારતમાં સૌથી સિનિયર અમ્પાયર તરીકે આદર પ્રાપ્ત કરનારા અમીષ સાહેબાએ ત્રણ ટેસ્ટ અને 51 વન-ડેમાં અમ્પાયરિંગ કર્યું છે. વન-ડેમાં તેઓ સૌથી વધુ મેચમાં અમ્પાયરિંગ કરનારા ભારતીય અમ્પાયર છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ કપ, આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, ટી20 વર્લ્ડ કપ, ટી20 ઇન્ટરનેશનલ, આઇપીએલ, ચેમ્પિયન્સ ટી20 લીગ વગેરેમાં પણ ફરજ બજાવેલી છે.
અમ્પાયર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરતાં અગાઉ અમીષ સાહેબા ગુજરાત માટે રણજી ટ્રોફીમાં પણ પદાર્પણ કરી ચૂક્યા છે. તેમના પિતા મહેશ સાહેબા અને કાકા અશોક સાહેબા પણ ગુજરાત માટે રમી ચૂક્યા છે. આમ સાહેબા પરિવાર વર્ષોથી ક્રિકેટ સાથે સંકળાયેલો છે.

To Top
Translate »