Latest News

INDVsWI: પ્રથમ દિવસે ટોપ ઓર્ડર ફેલ, રહાણે-રાહુલે બચાવ્યા

એન્ટીગુઆમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે પહેલા જ પૂર્ણ થઇ ગયો હતો. સ્ટમ્પ સમયે ભારતે 6 વિકેટ ગુમાવી 203 રન બનાવ્યા હતા. રિષભ પંત 20 અને રવિન્દ્ર જાડેજા 3 રન બનાવી રમતમાં છે.

અજિંક્ય રહાણેએ 81 રનની ઇનિંગ્સ રમી ભારતને મજબૂત સ્થિતિમાં પહોચાડ્યુ હતું. રહાણે પોતાની 10મી સદી ફટકારવાથી ચુકી ગયો હતો. રહાણે સિવાય લોકેશ રાહુલ 44 અને વિહારીએ 32 રનની રમત રમી હતી. ભારતે એક સમયે માત્ર 25 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ અને રહાણેએ મહત્વપૂર્ણ ભાગીદારી કરી ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યુ હતું. તે બાદ રહાણે અને વિહારીએ ભારતને સમ્માનજનક સ્થિતિમાં પહોચાડ્યુ હતું.

લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહેલા વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ મુશ્કેલ સમયમાં સારી ઇનિંગ્સ રમી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની આ પ્રથમ ટેસ્ટ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ બન્ને ટીમની પ્રથમ ટેસ્ટ છે.આ પહેલા નોર્થ સાઉન્ડ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો.વેસ્ટ ઇન્ડીઝ કેપ્ટન જેસન હોલ્ડરે પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.

પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી રહેલ ઓપનર મયંક અગ્રવાલ વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહતો અને મેચની પાંચમી ઓવરમાં કેમર રોચના આઉટ સ્વિંગ પર વિકેટકીપર શાઇ હોપને કેચ આપી બેઠો હતો. જોકે, અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો પરંતુ વેસ્ટ ઇન્ડીઝે રિવ્યૂ લીધો હતો જેમાં થર્ડ અમ્પાયરે મયંકને આઉટ આપ્યો હતો. મયંક અગ્રવાલ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો.

મયંકના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલો ચેતેશ્વર પૂજારા પણ વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહતો. ટીમની તમામ આશા કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલ પર ટકી હતી પરંતુ કેપ્ટન કોહલી પણ કઇ કરી શક્યો નહતો. 25 રનના સ્કોર પર કોહલી શેનન ગેબ્રિએલે આઉટ કરી દીધો હતો. વિરાટ કોહલી 2 ફોરની મદદથી 9 રન બનાવી આઉટ થયો હતો.

To Top
Translate »