
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયા નવ વિકેટના નુકસાન પર 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાની આક્રમક 123 રનની ઇનિંગ રમી હતી. એક સમયે ટીમ ઇન્ડિયાએ 86 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં પૂજારાની સદીની મદદથી ભારતનો સ્કોર 200ને પાર થયો હતો. પૂજારા ટેસ્ટમાં 5 હજાર રન પુરા કરનાર 12મો ભારતીય ખેલાડી બન્યો હતો. પૂજારાની ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ સદી છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, પેટ કમિન્સ અને નાથન લાયને બે-બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેની શરૂઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો ઇજાગ્રસ્ત હોવાના કારણે મુરલી વિજય અને લોકેશ રાહુલે ઇનિંગની શરૂઆત કરી હતી. લોકેશ રાહુલ (2) મુરલી વિજય (11), કોહલી (3) ,રહાણે (13) સસ્તામાં આઉટ થઇ જતા ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે, બાદમાં પૂજારાએ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 41 રન અને અશ્વિન સાથે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી ટીમને સન્માનજનક સ્થિતિમાં મુકી હતી.
