Latest News

ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

ભારતે (Team India) દક્ષિણ આફ્રિકાને પૂણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ અને 137 રને હરાવી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે અને ફ્રીડમ ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. સિરીઝની એક મેચ રમવાની બાકી છે. રાંચીમાં 19 ઓક્ટોબરથી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.

ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણયને ભારતીય બોલરોએ યોગ્ય સાબિત કર્યો હતો. ઓપનર બેટ્સમેન એડન માર્કરમ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.માર્કરમને ઇશાંત શર્માએ જ્યારે ડિ બ્રૂઇનને ઉમેશ યાદવે પેવેલિયન મોકલ્યો હતો.વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક પણ પાંચ રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો.દક્ષિણ આફ્રિકા 189 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત તરફથી ઉમેશ યાદવ અને જાડેજાએ સૌથી વધુ 3-3 વિકેટ જ્યારે અશ્વિને 2 અને શમી અને ઇશાંત શર્માને 1-1 વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 275માં ઓલ આઉટ

દક્ષિણ આફ્રિકા તરફથી પ્રથમ ઇનિંગ્સમાં કેશવ મહારાજે સૌથી વધુ 72, ફાફ ડુ પ્લેસસિસે 64, ફિલાન્ડરે 44, ડી બ્રૂને 30 અને ડી કોકે 31 રન બનાવ્યા હતા.ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 4, ઉમેશ યાદવે 3 વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલીની બેવડી સદી

ભારત તરફથી મયંક અગ્રવાલે 108, રોહિત શર્મા (Rohit Sharma) 14, ચેતેશ્વર પૂજારા 58, વિરાટ કોહલી (Virat Kohli) અણનમ 254, અજિંક્ય રહાણે 59 અને રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ ગુમાવી 601 રને ઇનિંગ્સ ડિકલેર કરી હતી.

To Top
Translate »