Local Cricket

ક્રિકેટ પર કોરોના ભારે પડ્યો; ગુજરાતમાં 15 યુવકને અટકાવીયાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓના સંબોધન દરમિયાન લોકોથી કોરોનાના બચાવ અને જાગૃતતા ફેલાવવામાં સહયોગ માંગ્યો હતો અને રવિવારને જનતા કરફ્યુનું પાલન કરવા અપીલ કરતા સમગ્ર દેશ સહીત ગુજરાતમાં જનતા કર્ફ્યુનો જબરજસ્ત સમર્થન મળ્યું છે. સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

ત્યારે રવિવારે જીલ્લાના મુખ્યમથક હિંમતનગર-વિજાપુર રોડ પર આરટીઓ કચેરી નજીક કલમ-૧૪૪ નું ઉલ્લઘન કરી જાહેર રસ્તા પર ક્રિકેટ રમતા ૧૫ યુવકોને દબોચી લઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રએ કોરોના બીમારીની મહામારીની ગંભીરતા જોતાં તાત્કાલીક અસરથી ૧૪૪ની કલમ લાગુ કરીને જિલ્લાના તમામ જાહેર સ્થળો ઉપર કોઈપણ પ્રકારના સભા સરઘસ કે મેળાવળા ઉપરથી તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. મોલ, મલ્ટીપ્લેક્સ અને મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો અને કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકીને જિલ્લા વહીવટીતંત્રએ આ મહામારી ઉપર કાબુ મેળવવાની દિશામાં પગલા હાથ ધર્યા છે.

ત્યારે હિંમતનગર આરટીઓ કચેરી નજીક જાહેર રસ્તા પર કેટલાક યુવકો જાહેરનામાનો ભંગ કરી ક્રિકેટ રમવાની મજા લેવા જતા ક્રિકેટની મજા સજામાં પરિણમી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે જાહેર રસ્તા પર ક્રિકેટ રમતા ૧૫ યુવકોને ઝડપી પાડી પોલીસ સ્ટેશને ખસેડી જિલ્લા મેજિસ્ટ્રેશનના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

To Top
Translate »