Latest News

28 બોલમાં જ આ બેટ્સમેને ફટકારી સદી, 14 સિક્સર ફટકારી

ક્રિકેટના નાના ફોર્મેટ હવે આખા વિશ્વમાં છવાઇ ગયુ છે. ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટ દેશ-વિદેશમાં રમાઇ રહી છે. અન્ય દેશની જેમ યુરોપમાં પણ 10 ઓવરની ક્રિકેટ લીગની શરૂઆત થઇ છે. યુરોપીયન ક્રિકેટ લીગ 2019માં એક ખેલાડીએ માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. આ ખેલાડીએ 28 બોલમાં 14 સિક્સર ફટકારી હતી.

યુરોપ ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટ દરમિયાન ક્લબ ક્રિકેટ ક્લબ અને ડરેક્સ ક્રિકેટ ક્લબ વચ્ચે મુકાબલો રમાયો હતો, જેમાં ડરેક્સ ક્રિકેટ ક્લબના બેટ્સમેન અહમદ નબીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોની ધોલાઇ કરી હતી અને 14 સિક્સર ફટકારી હતી. નબીએ 28 બોલમાં સદી ફટકારી હતી, જે આ ટૂર્નામેન્ટની પ્રથમ સદી છે.

મેચ 10-10 ઓવરની હતી. નબીએ પોતાની ઇનિંગ્સમાં 30 બોલ રમ્યા હતા જેમાં 2 વખત સતત 4-4 સિક્સર ફટકારી હતી. પોતાની વિસ્ફોટક ઇનિંગ્સમાં નબીએ કુલ 105 રન બનાવ્યા હતા. ઇસીએલ 2019ના ઇતિહાસનો પ્રથમ સૌથી અંગત સ્કોર નબીએ બનાવ્યો હતો.

અહમદ નબીની સદીની ઇનિંગની મદદથી ડ્રેક્સ ક્રિકેટ ક્લબે 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. જવાબમાં ક્લજ ક્રિકેટ ક્લબની ટીમ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી માત્ર 69 રન જ બનાવી શકી હતી અને મેચને 95 રનના મોટા અંતરથી હારી ગઇ હતી.

To Top
Translate »